જગતભરમાં મૂડીવાદનો મેઘ ગર્જે છે

જોસ ઓર્ટગા ગેસેટ નામના કુદરતપ્રેમીએ ૨૧મી સદીનું સરસ વર્ણન કર્યું છે. ટાઉન્સ આર ફુલ ઓફ પીપલ… ટ્રેન્સ આર ફુલ ઓફ ટ્રાવેલર્સ… તમે જાણો છો કે તમામ શહેરો ગીચ વસતિ અને ઝૂંપડપટ્ટીથી ખદબદે છે. ટ્રેનોમાં ઘેટાંબકરાંની જેમ લોકો ભીંસાય છે. રેસ્ટોરાં-કાફેમાં જગ્યા માટે ઊભા રહેવું પડે છે. ગાર્ડન કે પાર્ક પણ લોકોથી ખદબદે છે. ડોક્ટરોના કન્સલ્ટિંગ રૂમ બહાર જાણે હીરા-રત્નો મફતમાં વહેંચાવાના હોય તેમ દર્દીની લાંબી લાઈન લાગે છે. દરિયાના બીચમાં સતત ગીરદી હોય છે. માનવી એકાંતને રક્ષવા અને ઘોંઘાટથી દૂર જવા જેને ઇલાજ ગણતો હતો તે ઇલાજ જ ખુદ દર્દ બની ગયો છે.

‘જબ ખુદ દવા હી દર્દ બન જાતી હૈ તો ઉસકા ઇલાજ ક્યા હૈ’ એમ ગાલીબ સાહેબે કહેલું, પણ આજે જે દર્દ છે તે કોઈ પ્રેમિકા, પ્રેમી,  કે કોઈ સીતમગરે આપેલું દર્દ નથી. આજે આપણે જ આપણા દર્દને પેદા કર્યું છે. માનવીની આંખમાં એક જમાનામાં સતત એકલતાનું દર્દ હતું. પરપેચ્યુઅલ લોન્લીનેસ હતી પણ તે એકલતા સર્જક હતી. આજે માણસની આંખમાં પરપેચ્યુઅલ-ક્રાઉડની પીડા છે.

કાર્લ જંગે ૧૦૦ વર્ષ પહેલાં કહેલું કે મોટું ટોળું માનવીમાં માનસિક દદોઁ પેદા કરે છે. જેટલા ભીંસા ભીંસમાં રહો તેટલા માનસિક દર્દી બનો છો. માઓત્સે તુંગ નામના ચીની નેતાને ટોળાનો-ક્રાઉડનો શોખ હતો કારણ કે જ્યાં મોટું ક્રાઉડ થાય છે, જ્યાં નરેન્દ્ર મોદી બોલે તેની તાળીઓના ગડગડાટ પાડનારું ક્રાઉડ થાય છે તે તેની બુદ્ધિ નેવે મૂકીને આવે છે. તાળીઓના ગડગડાટ ખૂબ છેતરામણા હોય છે કારણ કે ઉન્માદમાં બોલેલા તોછડા શબ્દો તાળીઓ પડાવે છે.

આવા મોદીબ્રાન્ડ ક્રાઉડ વિશે રોબર્ટ લીન્ડનેર નામના તારક મહેતા છાપના કટાક્ષકારે બહુ જ વાસ્તવિક વાત કરી હતી કે-ઇન ધ ક્રાઉડ, હર્ડ ઓર ગેંગ ઇટ ઇઝ એ માસ-માઈન્ડ ધેટ ઓપરેટસ, એ માઈન્ડ વિધાઉટ સટેલીટી, એ માઈન્ડ વિધાઉટ કમ્પેશન, એ માઈન્ડ ફાઇનલી અન સિવિલાઈઝેડ. જે ટોળું ઇન્દિરા ગાંધીની સભામાં તાળીઓ પાડતું હતું તે જ ટોળું મોદીના ટોળામાં તાળી પાડે છે. પીપાવાવના સિમેન્ટ પ્રોજેક્ટનો વિરોધ કરનારા ભાષણબાજોમાં હવેથી કોંગ્રેસીઓ ભળ્યા છે અને ભાજપમાંથી વટલાઈને કોંગ્રેસી બનેલા મોટા મોટા બરાડા પાડીને મોદીને ભાંડતા હતા તે બધા જ એક જમાનામાં એટલે કે ગઈકાલ સુધી મોદીનાં ભરપેટ વખાણ કરતા કરતા તાળીઓના તાલેબાનો હતા.

રોબર્ટ લીન્ડનેરની વાત અંગ્રેજીમાં લખી છે તે સાચી છે-જગતમાં દરેક જગ્યાએ માસ-માઈન્ડ છે. ટોળાવાળી મેન્ટાલિટી છે. ટોળાની માનસિકતા અગર ઝનૂની ગાંડપણ છે તો તે ટોળું પછી ગેંગ બની જાય છે. તે ટોળું સોનિયા કે રાહુલનું હોય કે નરેન્દ્ર મોદીનું હોય છે. આ ટોળાનું મન કોઈ સટેલિટી એટલે કે ઊંડાણ વગરનું હોય છે. સતહનું-સપાટીનું માઈન્ડ હોય છે. આવી માનસિકતામાં વધારે વિચારશીલતા, અનુકંપા નથી હોતી અને અંતે તે નેતાના વશમાં રહેલું નથી અને અનસિવિલાઈઝ્ડ-તોફાની બની જાય છે.

કાર્લ માર્કસનાં સામ્યવાદ કે સમાજવાદનાં પુસ્તકો માટે કેટલી બધી તાળીઓ પડી હતી! જેટલા સમાજવાદનાં વખાણનાં ગડગડાટ થયા એટલા જ ગડગડાટ સાથે આજે જગતભરમાં મૂડીવાદનો મેઘ ગજેઁ છે અને એ મૂડીવાદ આગળ જેમ ઇંગ્લેન્ડની લેબર પાર્ટી, અમેરિકાની ડેમોક્રેટીક પાર્ટી કે ભાજપનો હિન્દુવાદ લાચાર-રાંક થઈને મૂડીવાદની પગચંપી કરે છે તે જોતાં લાગે છે કે ક્યાંથી ગરીબોની વ્યથા કોઈ સાંભળે? મોદી માત્ર નિરમાને સાંભળે છે, તાતાને સાંભળે છે, બિયાનીને સાંભળે છે પણ પીપાવાવના મુઢ્ઢીભર ખેડૂતોને કોણ સાંભળે? હું જ્યારે પીપાવાવથી સિમેન્ટ પ્રોજેક્ટના વિરોધમાં મળેલી જંગી સભા અને ડૉ.. કનુભાઈ કળસારિયાની વ્યથા સાંભળીને મુંબઈ આવ્યો ત્યારે મને મનમાં વેદના એ થઈ કે કદાચ પીપાવાવના ખેડૂતોનો આ પ્રાણપ્રશ્ન ભાજપ વિરુદ્ધ કોંગ્રેસનો થઈ જશે. જેના મોદી સામે અહ્મ ઘવાયા છે તે પીપાવાવના પ્લેટફોર્મનો લાભ લઈને આ પ્રશ્નને ખોટે પાડે ચડાવી રહ્યા છે તેવી લાગણી થઈ. પીપાવાવના ખેડૂતોના પ્રશ્નોને રાજકીય રંગ ચઢાવીને તેને કોંગ્રેસીઓ હાઈજેક કરી ગયા છે.

મુંબઈથી ભાવનગરના એરપોર્ટ સુધીની મુસાફરીમાં વાંચવા મેં ઈ.એફ.શુમેકર નામના ઝનૂની પર્યાવરણવાદી અને કુદરતીપ્રેમી લેખકનું પુસ્તક ‘સ્મોલ ઇઝ બ્યુટિફુલ’ લીધું. પુસ્તક ૨૦ વર્ષ પહેલાં પ્રગટ થયેલું તેની ખૂબ ધમાચકડી મચી. તેમાં લખેલું કે ૨૦ વર્ષ પછી પ્રદૂષણ એટલું વધશે કે દુનિયા જીવવા જેવી નહીં રહે.

શુમેકરે વહેલાસર કહેલું કે આજે ગાંડપણ છે કે સરકારો કાચી રાષ્ટ્રીય પેદાશ, કારખાનાનાં જંગી ઉત્પાદનો અને કહેવાતા ઈકોનોમિક ગ્રોથની જ બડાઈ મારે છે. પરંતુ શું આ જંગી કેમિકલ પ્રોજેક્ટ, ફર્ટિલાઈઝર પ્રોજેક્ટ, સિમેન્ટ પ્રોજેક્ટ વગેરેથી સામાજિક જીવન, કૌટુંબિક જીવન, ખેડૂતોની તેમની ૫-૧૦ વીઘાવાળી જમીન સાથેની આિત્મયતાનું વાતાવરણ સલામત રહેશે? જે હાલમાં કન્ઝયુમરીમેપ-ઉપભોગવાદને પોષવા જંગી ઉત્પાદન થાય અને પછી બ્રાન્ડને પ્રચલિત કરવા જુઠ્ઠાણાવાળી પબ્લિસિટીથી ધનિક વર્ગને જ મજા કરાવાથી ગરીબો વિકાસનાં ફળથી વંચિત નહીં રહે?

પહેલી વખત શુમેકરે ૩૭ વર્ષ પહેલાં ‘બુદ્ધિસ્ટ ઇકોનોમિક્સ’ શબ્દ પ્રચલિત કર્યો હતો. માનવીને તેનાં મૂળભૂત હક્ક પ્રમાણે તેની પોતાની જ વતનની ભૂમિ નજીકથી રોજગારી કે અનાજ પેદા કરવાનો હક્ક છે. બુદ્ધ ભગવાને ‘નોબલ એઈટફોલ્ડ પાથ’ આઠ પ્રકારના ઉમદા માર્ગ બતાવેલા તેમાં એક માર્ગ પ્રમાણે કોઈ પણ નાનો માણસ તેની રોજગારી પોતાના ગામેથી જ મેળવતો હોય તેને હટાવવો તે પાપ છે, પણ હવે શું થાય છે? ગુડ્ઝ આર મોર ઇમ્પોર્ટન્ટ ધેન પીપલ. પીપાવાવ આજુબાજુના ગ્રામજનો કરતાં સિમેન્ટ વધુ મહત્વની છે. સિમેન્ટ ચૂંટણીનાં ભંડોળ આપે છે. કન્ઝમ્પશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન ક્રિએટિવિટી. અથૉત્ માનવી કરતાં ચીજવસ્તુ, માલ (સિમેન્ટ, લોખંડ, ખનીજ, હીરા) વધુ મહત્વના બન્યા છે. માનવીની સર્જનશીલતા કે તેની સર્જકશક્તિ કરતાં માનવીને એક ગ્રાહક તરીકે વધુ મૂલવાય છે.

ભૌતિકવાદી માણસ માત્ર ઉપભોગની ચીજમાં જ રમમાણ રહે છે પણ જે બૌદ્ધ તત્વમાં કે સાચા ધર્મમાં માનતો હોય તે માનવીનો ઉપભોગ વૃત્તિ, મોહમાયા અને ધન-લોભમાંથી મુક્તિ મેળવવાનો જ મૂળ ધ્યેય છે. પીપાવાવના પ્રોજેક્ટ પૂરતું જ જોઈએ તો ગુજરાત સરકાર બૌદ્ધતત્વ સ્વીકારશે?

Advertisements

તમારો મેસેજ લાગણીશીલ માણસોને છિન્નભિન્ન કરી નાખે છે

શાંત સરોવરમાં કાંકરીચાળો થયો હતો. સ્થિર જળમાં વલયો પેદા થવા લાગ્યાં હતાં. વેદાંતના સેલફોન પર મેસેજ આવ્યો હતો અને તેમાં લખ્યું હતું : આઇ લવ યુ!કોઇ છોકરી આમ સામેથી પ્રપોઝ કરે, મેસેજ મોકલે… આ વિચારમાત્રથી વેદાંતના મનમાં ભારે હલચલ મચી ગઇ. નિત્યક્રમનો લય તૂટી ગયો!

આજકાલ એસએમએસની બોલબાલા છે. વાતચીત કે વ્યવહારનું માધ્યમ બની ગયું છે. એક મિત્રએ નિખાલસપણે એકરાર કરતાં કહ્યું હતું કે, મારો ક્રિએટ કરેલો મેસેજ મેં મારા પ્રિયજનને મોકલાવ્યો હતો… સાંજ સુધીમાં તો મને જ પાછો મળ્યો હતો! તળ તપાસવામાં કે ખરાઇ કરવામાં સાર નહોતો. અહીં પણ એમ નહીં બન્યું હોય તેની ખાતરી શું!?

વેદાંત બરાબરનો મૂંઝાયો છે. એક બાજુ ગલગલિયાં થાય છે ને બીજી બાજુ ડર લાગે છે. કહેવું કોને? કાનમાં કીડા પડ્યા હોય તેમ તે સ્થિર થતો નથી. તેનું ચિત્ત ક્યાંય ચોંટતું નથી. વળી એક સવાલ સતત પજવે છે કે, મારામાં એવું શું છે કે આમ મને આઇ લવ યુ કહે?!

પણ પછી તેણે નક્કી કર્યું કે, હમ કિસી સે કમ નહીં… જવાબ તો આપવો જ પડે. માખીને મોં આવ્યું. તેણે સેલફોન હાથમાં લીધો. અને ઇનબોક્સમાંથી મેસેજ સર્ચ કરી, વાંચવા લાગ્યો: લડકે મંદિર કર્યું જાતે હૈ-વહાં પૂજા, શાંતિ, આરતી, અર્ચના, ભાવના, વંદના, ઉપાસના… સબ મિલતે હૈ, ભક્ત લોંગો કો ઓર ક્યા ચાહીએ!? મોં બગાડીને આ મેસેજને વેદાંતે ડિલીટ કર્યો. વેદાંતે બીજો મેસેજ વાંચ્યો. લખ્યું હતું : ‘સમયને ઓળખતા, પ્રસંગને સાચવતા, માણસને સમજતા અને તકને ઝડપતા આવડી ગયું તો સમજો કે જિંદગી જીતી ગયા અને જીવી ગયા.’ બસ આ વિગતો મને જ લાગુ પડે છે.

મારે દ્રઢતાથી મુકાબલો કરવો જ પડે. તે સજ્જ થઇ જાય છે અને નક્કી કરે છે કે આમ કોઇના મેસેજ ફોરવર્ડ કરવામાં મજા શું આવે? રૂબરૂ જવું અને વાતચીત કરી લેવાની, બીજું શું? આમ વિચારતા યંત્રવત્ તે ચોથો મેસેજ વાંચે છે: માણસને જન્મ પછી બોલવાનું શીખતા લગભગ બે-અઢી વરસ લાગે પણ શું બોલવું તે શીખવામાં આખી જિંદગી ચાલી જતી હોય છે!

-વેદાંત વળી મૂંઝાયો. છોકરી આગળ બોલવું શું? કહેવું શું??વેદાંત માટે ન કહેવાય, ન સહેવાય તેવી સ્થિતિ હતી. કોલેજમાં કશો જ કોલાહલ કર્યા વગર શાંતિથી ભણે છે. કોઇના રવાડે ચડ્યા વગર પોતાની કારકિર્દી ઘડવામાં જ તેને રસ છે. બાઇક, મોબાઇલનો જરૂર પૂરતો જ ઉપયોગ કરે છે. આમ ડાહ્યો અને સમજણો યુવાન છે. પણ હવે આ છોકરીએ સામે ચાલીને કાંકરીચાળો નહીં પણ પોતાના સ્થિર જળમાં પથરો ફેંકયો છે તેથી ડિસ્ટર્બ થઇ ગયો છે. ખરેખર તો શું કરવું જોઇએ તે સૂઝતું જ નથી. મિત્રની મદદથી વેદાંત તે છોકરીને લાઇબ્રેરીમાં મળવાનું નક્કી કરે છે અને નિયત સમયે મળે છે. છોકરીને દૂરથી જોતાં જ ઓળખાઇ ગઇ હતી. થોડીવાર બંને અબોલ રહ્યાં. પછી છોકરીએ જ કહ્યું: ‘સોરી, મેં જ મેસેજ મોકલ્યો હતો.’

વેદાંતને ચાનક ચડી. તે કહે: ‘આમ સોરી કહીને છૂટી જાવ તે થોડું ચાલે! માણસની લાગણીનો વિચાર કરવો જોઇએને!? શું વીતી છે મારા પર…’ ઘડીભર સન્નાટો છવાઇ ગયો. છોકરી પણ સ્ટેચ્યુની માફક સ્થિર થઇ ગઇ હતી. હકીકતમાં બંને પક્ષે ભારે અવઢવ હતી. જે બન્યું છે તેને સાથે મળી સંમતિની મહોર મારવી કે આક્રોશ સાથે છુટ્ટા પડવું!

છોકરી ચાલી ગઇ પણ બે-ત્રણ ડૂસકાં છોડતી ગઇ હતી. પણ મોડી રાત્રિએ વેદાંતના સેલફોન પાછો તે છોકરીના મેસેજ આવ્યો. તેમાં લખ્યું હતું: ‘આઇ એમ વેરી સોરી, તમારા દિલને દુ:ખ પહોંચ્યું તે બદલ માફી માગું છું. પણ મારી બહેનપણીઓ પર આવા મેસેજ આવતા, તે સામેથી મોકલાવતી પણ મારો દેખાવ જોઇને મને આવા મેસેજ કોઇ મોકલતું નહોતું. આ પીડા મારાથી સહન થતી નહોતી તેથી તમને મોકલ્યા… પ્લીઝ મારી મનોસ્થિતિને સમજવાની કોશિશ કરજો. તમે સમજદાર છો, મારો ફજેતો નહીં કરો એમ જાણીને સાહસ કર્યું છે… હવે શું નિર્ણય લેવો તે તમારા પર છોડું છું…’

Source: Dhummas, Raghavaji Madhad

એક શ્ર્લોકમાં સુખનો સાગર

એક શ્ર્લોકનો માનસિક અને સમાજશાસ્ત્રીય પ્રભાવ જાણવો હોય, તો સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીનો ૬૩મો શ્ર્લોક જ કાફી છે!

‘અને અમારા જે સર્વે સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે સાંયકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને તે મંદિરને વિશે શ્રી રાધિકાજીના પતિ એવા જે શ્રીકૃષ્ણ ભગવાનના નામનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું.’ઉપર જે ઉતાર્યું છે તે સ્વામિનારાયણ સંપ્રદાયના અત્યંત લોકપ્રિય અને નિયમિત વંચાતા ગ્રંથ શિક્ષાપત્રીના ૬૩મા શ્ર્લોકનો બેઠો અનુવાદ છે. આ શિક્ષાપત્રી વાંચતાં વાંચતાં એવું સમજાય છે કે ભગવાન સ્વામિનારાયણ અત્યંત વિચક્ષણ સત્પુરુષ હશે. શિક્ષાપત્રીનો પ્રત્યેક શ્ર્લોક વાંચતાં વાંચતાં ભગવાન સ્વામિનારાયણમાં રહેલા સમાજશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, ફિલસુફ, માનસશાસ્ત્રી અને વૈજ્ઞાનિક દર્શન આપોઆપ થાય. શિક્ષાપત્રીની પ્રત્યેક કડી એક એક સોનામહોર હોય તેવું લાગે.

આજે આ શિક્ષાપત્રીના ઉપર ટાંકેલા ૬૩મા શ્ર્લોકની વાત અહીં કરવી (લખવી) છે. સામાન્ય રીતે સામાન્ય માનવી જે રીતે ગાવા માટે અહીં દર્શાવાયું છે તેમ ઉચ્ચ સ્વરે ગાવા માટે ક્યારેય ટેવાયેલો હોતો નથી. તેનું કારણ એ છે કે સરાસરી પ્રત્યેક વ્યક્તિનો કંઠ મધુરો હોતો નથી સૂર અને તાલનું ભાન પણ દરેકમાં હોતું નથી. તેથી જો પ્રત્યેક સામાન્ય વ્યક્તિ ઉપર દર્શાવ્યું છે તે પ્રમાણે ઉચ્ચ સ્વરે ગાવા જાય તો લોકો તેને મૂર્ખ, ગાંડો કે અક્કલ વગરનો ગણે, તેથી તેથી લોકો તે ટાળતા હોય છે. પરંતુ સત્ય એ છે કે દરેક વ્યક્તિને ગાવું ગમતું હોય છે ગાન વ્યક્તિને હળવો બનાવી મૂકે છે. પણ ઉપર બતાવ્યા તેવા કારણોસર આમ જનસમૂદાયનો એવરેજ સભ્ય કશેય ગાવાનું પસંદ નથી કરતો.

ભગવાન સ્વામિનારાયણે અત્યંત વિચક્ષણતાથી આનો રસ્તો કાઢ્યો છે. માણસના મનમાં દિવસ દરમિયાન જે વેદનાઓ સંગોપાય તે જો નીકળી જાય તો માણસ હળવો ફૂલ થઇ જાય અને પરિણામે તેના કુટુંબ માટે તેના મિત્ર માટે તે એક હળવું વ્યક્તિત્વ બની જાય. એટલે ભગવાને કહ્યું કે સાયંકાળે મંદિરમાં જઇને ઉચ્ચ સ્વરે ભગવાનનું કીર્તન કરવું.

વાત આટલેથી અટકતી નથી. આગળ વધે છે. ભગવાન સ્વામિનારાયણની વિશિષ્ટતા તો જુઓ વ્યક્તિ મંદિરમાં આવીને ઉચ્ચ સ્વરે (મોટા અવાજે) ભજન ગાય તો તેને કોઇ અયોગ્ય પણ ન ગણે. ઉલટું આવા ગાનાર પ્રત્યે લોકો સન્માનથી જુએ. લોકો એવું સમજે કે આ ભાઇ (કે બહેન) કેવા શ્રદ્ધાપૂર્વક ભજન કરે છે! માણસની શરમ પણ આ જ કારણસર મંદિરમાં ભગવાન સમક્ષ ઉચ્ચ સ્વરે કીર્તન કરતી વખતે ખરી પડે છે. અને માનસશાસ્ત્રીય રીતે આવું ભજન કરનારનું મન હળવું થઇ જાય છે.

પરિણામે એક અદ્ભુત માનસિક શાંતિ ઉચ્ચ સ્વરે કીર્તન કરનારને પ્રાપ્ત થાય છે. અત્યારે મ્યુઝિક થેરપીથી દર્દીને સાજો કરવાના પ્રયોગો ચાલે છે પણ ભગવાન સ્વામિનારાયણ તો આ વાત ૨૦૦ વર્ષ પહેલાં સમજી ચૂક્યા હોય તેમ જણાય છે. માણસ ઉચ્ચ સ્વરે કીર્તન કરે એટલે તેની ભક્તિમાં પણ વધારો થાય. ઈશ્વર પ્રત્યેનું ઇન્વોલ્વમેન્ટ વધે એટલે પોતાનામાંની શ્રદ્ધા વધે અને આ શ્રદ્ધામાંથી પ્રગટે આત્મવિશ્વાસ. આવો આત્મવિશ્વાસ મેળવનાર માણસ આપોઆપ સ્વસ્થ થઇ જાય. જોયું? કેટલાં પગથિયાં છે? અને તે બધા માત્ર એક ક્રિયામાં સમાઇ જાય છે!

ઉપરની વાત સમજાયને તો માણસનો બેડો પાર થઇ જાય! આપણે ત્યાં વિખવાદ વધારે અને સંવાદ ઓછા છે. ઘરમાં સૌથી ઓછી બોલતી વ્યક્તિને કોઇકવાર સાંભળવાનો પ્રયત્ન કરવા જેવો છે. ઘણું બધું અને ઘણું સરસ બહાર આવશે. આપણા સમાજમાં આમન્યા, વિવેક, મર્યાદા વગેરેના નામે અનેક બંધનો છે. પરિણામે દીકરો બાપ સામે ખુલીને વ્યક્ત નથી થતો. પત્ની આખી જિંદગી મૂંગા મોઢે મૂંઝાયા કરે છે. દીકરી ન બોલ્યામાં નવ ગુણ જેવી કહેવતને વાગોળતાં વાગોળતાં આંસુઓ બધા અંદર ઉતારી જાય છે. આ બધા પાછળનું સૌથી મોટું કારણ અભિવ્યક્તિનો અભાવ છે. આપણી કેળવણી લખવા આધારીત રહી છે. આપણું કુટુંબજીવન વાણી સ્વાતંત્રયના અભાવમાં અટવાય છે એટલે વૈચારિક વેન્ટિલેશન થતું જ નથી અને પરિણામે મનમાં જન્મતા ક્રોધ, વિચાર, ચિંતા, બીક, લાગણી, નફરત વગેરે બધું માણસની અંદર ધરબાઇ જાય છે.

આ ધરબાવાપણું કાં તો માનસિક અસમતોલન અને કાં તો શારીરિક અસમતોલન લાવી મૂકે છે. ભગવાન સ્વામિનારાયણે આ સૂક્ષ્મ વાત બહુ સહજ રીતે પકડી. પરંતુ એ યુગમાં વાણી સ્વાતંત્રયની કે સંવાદની વાત હરિભક્તોને ગળે ઉતારવી કદાચ સહેલી નહીં લાગી હોય એટલે ભગવાન વ્યક્તિગત રીતે અભિવ્યક્તિનો એક અભિનવ માર્ગ દરેક ભક્ત માટે ખોલી આપ્યો. આજે પણ ભગવાન સ્વામિનારાયણના મંદિરમાં સાયંકાળે જાવ તો કોઇકને કોઇક હરભક્તિ તો ભગવાનની મૂર્તિ સામે બેસીને મુક્ત કંઠે અને ઉચ્ચ સ્વરે કીર્તન ગાતો નજરે પડશે જ.

અહીં એક બીજી વાત પણ નોંધવા જેવી છે. ઉપર જે વાત કરી તે તો કુટુંબ ધરાવતા માણસની કરી, પણ જે માણસ એકલવાયું જીવન જીવતો હોય અને દિવસનો મોટા ભાગનો સમય ભગવાનને સમર્પિત કરતો હોય તેની માટે તો શિક્ષાપત્રીની આ ૬૩મી કડી આશીર્વાદરૂપ છે કારણ કે એકલતામાંથી જન્મતી વેદનાનું ઉચ્ચ સ્વરે કીર્તન કરવાથી બાષ્પીભવન થઇ જાય છે. માણસને એકલું લાગતું નથી ઉલટું ઈશ્વર સાથે સીધું જોડાણ હોય તેવો ભાવ મનમાં ઉત્પન્ન થાય છે અને પરિણામે એકલવાયાપણાનો થાક લાગતો નથી.

સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીની દરેક કડી માટે એક એક કથા કરી શકાય એટલી તાકાત છે. પણ, આપણે તો આજે તેમાંની એક કડીનું સામાન્ય વિશ્લેષણ કરીને જ અટકીએ. આચમન તો આટલું જ હોય!

ઇતિ સિદ્ધમ્: ‘સુખ શીતળતા મળતાં જ હવે, દુ:ખમાં બળતું મન ‘હાશ’ કરે.’- કવિ મણિલાલ ન. પટેલ ‘જગતમિત્ર’

ઊછળતાં મોજાં પર પછડાતી જિંદગી

‘યા અલ્લાહ ઠંડ લગ રહી હૈ!’ દરિયાઈ પવનના સુસવાટાથી થથરી ગયેલા બાવીસ વર્ષના બિહારી મુસ્લિમ મોહમ્મદ સિરાજથી બોલાઇ ગયું ત્યારે ૩૦૦ ટન ઘઉં ભરેલું બાર્જ (માલવાહક જહાજ) જામનગરના બેડી બંદરથી ખાસ્સું દૂર પહોંચી ગયું હતું. વહેલી સવારના પોણા ચાર વાગ્યા હતા અને આકાશના કાળા ભમ્મર વાદળો પાછળ ચંદ્ર અલોપ થઈ ગયો હતો. કલાકના ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હતો. ક્યારેક વાદળાં વરસી જતાં હતાં. ચમકી જતી વીજળીના તેજલિસોટામાં દૂર ઊભેલી પરદેશી શિપ ‘વન્ડર’ પળવાર માટે ઝબકીને અલોપ થઈ જતું હતું. બેડી બંદર પણ હવે દેખાતું ઝાંખું થઈ ગયું હતું. ચડ્ડીભેર બાર્જમાં ચઢેલા મોહમ્મદ સિરાજને મનોમન પસ્તાવો થતો હતો કે સાથી મજુર મોહમ્મદ અબ્દુલની જેમ ગંજીફરાક પહેર્યું હોત તો થોડી રાહત લાગત. સિરાજના મનમાં ઊઠતા વિચારને પામી ગયો હોય તેમ મોહમ્મદ અબ્દુલે જરા મોટા અવાજે હાકલ મારી: ‘સિરાજ, બોરીયોં (ઘંઉની ગૂણી) કે બીચ જા કર બૈઠ જા!’

બાર્જ પર ચાલતો સિરાજ ઘઉંની ગૂણીઓની આડશમાં જવા માટે બાર્જના કિનારા તરફ ગયો તો ધસમસતા આવેલા એક મોજાંની છાલકે તેને ભીંજવી નાખ્યો. સિરાજના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. આવી રીતે દરિયાઈ મોજું જો બાર્જ પર પછાડાતું રહે તો…

‘ઇધર આજા!’ બેડીબંદરની તરફ નજર ટેક્વીને વિચારે ચઢી ગયેલા સિરાજને ઘઉંની ગૂણીઓ વચ્ચે બેઠેલા ત્રીજા સાથીદાર મોહમ્મદ મેરાજે બોલાવ્યો ત્યારે ઘડીભર સિરાજ કોઈ પ્રતિભાવ ન દેખાડી શક્યો. તેને ઈચ્છા થઈ કે ઉછળતા મોજાંની એક છાલકે તેને ભીંજવી દીધો. એ બાબતે બંને સાથીઓનું ધ્યાન દોરે પણ પોતે ડરપોકમાં ખપી જશે એવી ગણતરીથી ચૂપચાપ મેરાજની નજીક જઈ તેણે ઘઉંની ગૂણીઓની આડશ લઈ લીધી. હવે ઠંડી ઓછી લાગતી હતી. રાતના અંધકાર કે દરિયાઈ સૂસવાટાનો ડર તો સિરાજને છ માસના અનુભવ પછી નીકળી ગયો હતો. તેણે મેરાજ તરફ જોયું. એ આંખો મીંચીને પડ્યો હતો.

મેરાજ અને અબ્દુલ બંને સગા ભાઈઓ હતા. બિહારના અગડીયા જિલ્લાની બેકારીથી થાકી વરસ દી’ પહેલાં બંને ભાઈઓ રોજીની તલાશમાં ગુજરાત આવ્યા હતા. જામનગરની એક મોટી શિપિંગ કંપનીમાં કામ મળ્યા પછી તેમણે સિરાજને પણ તેડાવી લીધો હતો. સિરાજ બંને ભાઈઓનો કુટુંબી સગો થતો હતો. દરિયાઈ કામનો તો ત્રણમાંથી કોઈને અનુભવ નહોતો. ત્રણેય પાસે માત્ર કાંડાંની તાકત હતી. કામ પણ એવું જ મળી ગયું. બાર્જમાં માલસામાન ભરીને શિપમાં ખાલી કરી દેવાનું.

બાર્જના બીજા છેડે ઊભેલા મોહમ્મદ અબ્દુલની આંખો બાર્જને ખેંચી જતાં ટગ પર હતી. પરદેશી શિપ ‘વન્ડર’ હવે સ્પષ્ટ દેખાવા લાગ્યું હતું. તેણે બીડી સળગાવવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો અને પછી એક ઊંડો નિ:સાસો નાખીને વિચાર્યું: શિપમાં લોડિંગ કરવા માટે પોતાના ‘સિદ્ધિ વિનાયક’ બાર્જનો વારો જલ્દી આવી જાય તો સારું કારણ કે અષાઢ મહિનામાં દરિયાના પેટ પરથી જલ્દી ઊતરી જવાય એવું એકાદ વરસના અનુભવ પછી આ બિહારી સમજી ગયો હતો. જો કે વહેલી સવારે, મોં સૂઝણાં ટાણે, બાર્જ પરદેશી શિપના દોરડાથી બંધાઇ ગયું અને ટ્રક ફરી બેડીબંદર જવા રવાના થઈ ગઈ ત્યારે મોહમ્મદ અબ્દુલને તેના સગાભાઈ મેરાજ કે કુટુંબી સિરાજને ક્યાં ખબર હતી કે જે અરબી સમુદ્રના પર પટ પર તેમનું બાર્જ ઊભું છે, તેના સેંકડો નોટિકલ માઇલ દૂર ૨૩૦ કિલોમીટરની ઝડપે કેન્દ્રિત થયેલું વાવાઝોડું તેમની તરફ ધસમસતું આવી રહ્યું છે.

***

એ ૧૭મી જુન ૧૯૯૬ની સવાર હતી. અબ્દુલ, મેરાજ અને સિરાજ સાથેના ‘સિદ્ધિ વિનાયક’ બાર્જને પરદેશી શિપના દોરડે બાંધી દેવામાં આવ્યું હતું કારણકે બીજા બાર્જમાંથી શિપમાં માલ ચઢાવાતો હતો. સિદ્ધિ વિનાયક બારામાં ઊભું રહી ગયું હતું. એ દિવસે સવારથી વાતાવરણનો ચહેરો બદલી ગયો હતો અને તેનો અણસારો દરિયાની છાતી પર ઊભેલા ત્રણેય બિહારીઓને આવી ગયો હતો. બપોર સુધીમાં વાતાવરણ વધારે ખરાબ થઈ ગયું. પવનની ઝડપ બેસુમાર વધી ગઈ. પૂરા સૌરાષ્ટ્ર-કચ્છમાં એ દિવસે ૫૦થી ૭૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો.

અમદાવાદમાં આ ઝડપ ૮૫ કિલોમીટરની નોંધાઈ. માં ઊભા કરાયેલાં સરકસના તોતિંગ તંબૂને ચીરી ગયેલા પવનથી જ જાણતલો સમજી ગયા હતા કે આવનારી કલાકો ભારોભાર ટેન્શનની હશે. એ દિવસે આંધ્રપ્રદેશમાં તીવ્ર વાવાઝોડું ફૂંકાયું! સત્તરમી જુનની એ જ સાંજે હવામાન ખાતાએ કાળવાણી ઉચ્ચારી કે અરબી સમુદ્રમાં કેન્દ્રિત થયેલું વાવાઝોડું કાઠિયાવાડ ભણી આવી રહ્યું છે અને તેની સૌથી તીવ્ર અસર સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા પર દેખાશે.

ધડાધડ ઇન એકશનની મોસમ શરૂ થઈ ગઈ. રેડિયો ચેતવણી આપવા લાગ્યો. અધિકારીઓ એલર્ટ થઈ ગયા. મીણબત્તીઓ હાથવગી અને ફાનસો કેરોસીનથી તરબતર થઈ ગયાં. બંદરો પર ચેતવણીનાં સિગ્નલો અપાવા લાગ્યા. પોર્ટ ઓફિસરોએ ખલાસીઓને દરિયામાં જતા રોકવા માંડ્યા. દરિયે ગયેલાં શિપ, વહાણને વોકીટોકીથી મેસેજ આપી પાછા બોલાવી લેવાયા. બાર્જીસને માલસમેત કાંઠે લાંગરી દેવામાં આવ્યા પણ પરદેશી શિપમાં ઘઉં ઠાલવવા ગયેલું ‘સિદ્ધિ વિનાયક’ બાર્જ કોઈના દિમાગમાં આવ્યું નહીં. આ બાર્જ જે કંપનીનું હતું, તેની પાસે બીજાં ચાલીસેક બાર્જ હતા. મોટા વહીવટને કારણે કદાચ, કંપનીના માલિકો પોતાના બાર્જ પર રહેલાં ત્રણ વર્કરને ભૂલી ગયા હશે? એ વખતે કંપનીના માલિકે મને કહેલું કે, આ કોઈ મોટી વાત નથી. દરિયાના ધંધામાં આવા બનાવ તો બનતાં રહે છે.કેવા બનાવ?

(બીજો અને અંતિમ દિલધડક ભાગ આવતા સપ્તાહે.)

%d bloggers like this: