એક શ્ર્લોકમાં સુખનો સાગર

એક શ્ર્લોકનો માનસિક અને સમાજશાસ્ત્રીય પ્રભાવ જાણવો હોય, તો સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીનો ૬૩મો શ્ર્લોક જ કાફી છે!

‘અને અમારા જે સર્વે સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે સાંયકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને તે મંદિરને વિશે શ્રી રાધિકાજીના પતિ એવા જે શ્રીકૃષ્ણ ભગવાનના નામનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું.’ઉપર જે ઉતાર્યું છે તે સ્વામિનારાયણ સંપ્રદાયના અત્યંત લોકપ્રિય અને નિયમિત વંચાતા ગ્રંથ શિક્ષાપત્રીના ૬૩મા શ્ર્લોકનો બેઠો અનુવાદ છે. આ શિક્ષાપત્રી વાંચતાં વાંચતાં એવું સમજાય છે કે ભગવાન સ્વામિનારાયણ અત્યંત વિચક્ષણ સત્પુરુષ હશે. શિક્ષાપત્રીનો પ્રત્યેક શ્ર્લોક વાંચતાં વાંચતાં ભગવાન સ્વામિનારાયણમાં રહેલા સમાજશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, ફિલસુફ, માનસશાસ્ત્રી અને વૈજ્ઞાનિક દર્શન આપોઆપ થાય. શિક્ષાપત્રીની પ્રત્યેક કડી એક એક સોનામહોર હોય તેવું લાગે.

આજે આ શિક્ષાપત્રીના ઉપર ટાંકેલા ૬૩મા શ્ર્લોકની વાત અહીં કરવી (લખવી) છે. સામાન્ય રીતે સામાન્ય માનવી જે રીતે ગાવા માટે અહીં દર્શાવાયું છે તેમ ઉચ્ચ સ્વરે ગાવા માટે ક્યારેય ટેવાયેલો હોતો નથી. તેનું કારણ એ છે કે સરાસરી પ્રત્યેક વ્યક્તિનો કંઠ મધુરો હોતો નથી સૂર અને તાલનું ભાન પણ દરેકમાં હોતું નથી. તેથી જો પ્રત્યેક સામાન્ય વ્યક્તિ ઉપર દર્શાવ્યું છે તે પ્રમાણે ઉચ્ચ સ્વરે ગાવા જાય તો લોકો તેને મૂર્ખ, ગાંડો કે અક્કલ વગરનો ગણે, તેથી તેથી લોકો તે ટાળતા હોય છે. પરંતુ સત્ય એ છે કે દરેક વ્યક્તિને ગાવું ગમતું હોય છે ગાન વ્યક્તિને હળવો બનાવી મૂકે છે. પણ ઉપર બતાવ્યા તેવા કારણોસર આમ જનસમૂદાયનો એવરેજ સભ્ય કશેય ગાવાનું પસંદ નથી કરતો.

ભગવાન સ્વામિનારાયણે અત્યંત વિચક્ષણતાથી આનો રસ્તો કાઢ્યો છે. માણસના મનમાં દિવસ દરમિયાન જે વેદનાઓ સંગોપાય તે જો નીકળી જાય તો માણસ હળવો ફૂલ થઇ જાય અને પરિણામે તેના કુટુંબ માટે તેના મિત્ર માટે તે એક હળવું વ્યક્તિત્વ બની જાય. એટલે ભગવાને કહ્યું કે સાયંકાળે મંદિરમાં જઇને ઉચ્ચ સ્વરે ભગવાનનું કીર્તન કરવું.

વાત આટલેથી અટકતી નથી. આગળ વધે છે. ભગવાન સ્વામિનારાયણની વિશિષ્ટતા તો જુઓ વ્યક્તિ મંદિરમાં આવીને ઉચ્ચ સ્વરે (મોટા અવાજે) ભજન ગાય તો તેને કોઇ અયોગ્ય પણ ન ગણે. ઉલટું આવા ગાનાર પ્રત્યે લોકો સન્માનથી જુએ. લોકો એવું સમજે કે આ ભાઇ (કે બહેન) કેવા શ્રદ્ધાપૂર્વક ભજન કરે છે! માણસની શરમ પણ આ જ કારણસર મંદિરમાં ભગવાન સમક્ષ ઉચ્ચ સ્વરે કીર્તન કરતી વખતે ખરી પડે છે. અને માનસશાસ્ત્રીય રીતે આવું ભજન કરનારનું મન હળવું થઇ જાય છે.

પરિણામે એક અદ્ભુત માનસિક શાંતિ ઉચ્ચ સ્વરે કીર્તન કરનારને પ્રાપ્ત થાય છે. અત્યારે મ્યુઝિક થેરપીથી દર્દીને સાજો કરવાના પ્રયોગો ચાલે છે પણ ભગવાન સ્વામિનારાયણ તો આ વાત ૨૦૦ વર્ષ પહેલાં સમજી ચૂક્યા હોય તેમ જણાય છે. માણસ ઉચ્ચ સ્વરે કીર્તન કરે એટલે તેની ભક્તિમાં પણ વધારો થાય. ઈશ્વર પ્રત્યેનું ઇન્વોલ્વમેન્ટ વધે એટલે પોતાનામાંની શ્રદ્ધા વધે અને આ શ્રદ્ધામાંથી પ્રગટે આત્મવિશ્વાસ. આવો આત્મવિશ્વાસ મેળવનાર માણસ આપોઆપ સ્વસ્થ થઇ જાય. જોયું? કેટલાં પગથિયાં છે? અને તે બધા માત્ર એક ક્રિયામાં સમાઇ જાય છે!

ઉપરની વાત સમજાયને તો માણસનો બેડો પાર થઇ જાય! આપણે ત્યાં વિખવાદ વધારે અને સંવાદ ઓછા છે. ઘરમાં સૌથી ઓછી બોલતી વ્યક્તિને કોઇકવાર સાંભળવાનો પ્રયત્ન કરવા જેવો છે. ઘણું બધું અને ઘણું સરસ બહાર આવશે. આપણા સમાજમાં આમન્યા, વિવેક, મર્યાદા વગેરેના નામે અનેક બંધનો છે. પરિણામે દીકરો બાપ સામે ખુલીને વ્યક્ત નથી થતો. પત્ની આખી જિંદગી મૂંગા મોઢે મૂંઝાયા કરે છે. દીકરી ન બોલ્યામાં નવ ગુણ જેવી કહેવતને વાગોળતાં વાગોળતાં આંસુઓ બધા અંદર ઉતારી જાય છે. આ બધા પાછળનું સૌથી મોટું કારણ અભિવ્યક્તિનો અભાવ છે. આપણી કેળવણી લખવા આધારીત રહી છે. આપણું કુટુંબજીવન વાણી સ્વાતંત્રયના અભાવમાં અટવાય છે એટલે વૈચારિક વેન્ટિલેશન થતું જ નથી અને પરિણામે મનમાં જન્મતા ક્રોધ, વિચાર, ચિંતા, બીક, લાગણી, નફરત વગેરે બધું માણસની અંદર ધરબાઇ જાય છે.

આ ધરબાવાપણું કાં તો માનસિક અસમતોલન અને કાં તો શારીરિક અસમતોલન લાવી મૂકે છે. ભગવાન સ્વામિનારાયણે આ સૂક્ષ્મ વાત બહુ સહજ રીતે પકડી. પરંતુ એ યુગમાં વાણી સ્વાતંત્રયની કે સંવાદની વાત હરિભક્તોને ગળે ઉતારવી કદાચ સહેલી નહીં લાગી હોય એટલે ભગવાન વ્યક્તિગત રીતે અભિવ્યક્તિનો એક અભિનવ માર્ગ દરેક ભક્ત માટે ખોલી આપ્યો. આજે પણ ભગવાન સ્વામિનારાયણના મંદિરમાં સાયંકાળે જાવ તો કોઇકને કોઇક હરભક્તિ તો ભગવાનની મૂર્તિ સામે બેસીને મુક્ત કંઠે અને ઉચ્ચ સ્વરે કીર્તન ગાતો નજરે પડશે જ.

અહીં એક બીજી વાત પણ નોંધવા જેવી છે. ઉપર જે વાત કરી તે તો કુટુંબ ધરાવતા માણસની કરી, પણ જે માણસ એકલવાયું જીવન જીવતો હોય અને દિવસનો મોટા ભાગનો સમય ભગવાનને સમર્પિત કરતો હોય તેની માટે તો શિક્ષાપત્રીની આ ૬૩મી કડી આશીર્વાદરૂપ છે કારણ કે એકલતામાંથી જન્મતી વેદનાનું ઉચ્ચ સ્વરે કીર્તન કરવાથી બાષ્પીભવન થઇ જાય છે. માણસને એકલું લાગતું નથી ઉલટું ઈશ્વર સાથે સીધું જોડાણ હોય તેવો ભાવ મનમાં ઉત્પન્ન થાય છે અને પરિણામે એકલવાયાપણાનો થાક લાગતો નથી.

સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીની દરેક કડી માટે એક એક કથા કરી શકાય એટલી તાકાત છે. પણ, આપણે તો આજે તેમાંની એક કડીનું સામાન્ય વિશ્લેષણ કરીને જ અટકીએ. આચમન તો આટલું જ હોય!

ઇતિ સિદ્ધમ્: ‘સુખ શીતળતા મળતાં જ હવે, દુ:ખમાં બળતું મન ‘હાશ’ કરે.’- કવિ મણિલાલ ન. પટેલ ‘જગતમિત્ર’